તમે માણસને કઇ રીતે જજ કરો છો? 

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

સચ યે હૈં બેકાર હમેં ગમ હોતા હૈ, જો ચાહા થા, દુનિયા મેં કમ હોતા હૈ,

ગૈરોં કો કબ ફુરસત હૈ દુઃખ દેને કી? જબ હોતા હૈ કોઈ હમદમ હોતા હૈ.

-જાવેદ અખ્તતર

દરેક માણસની અંદર એક એક્ટર જીવતો હોય છે. દરેક માણસ ક્યારેક ને ક્યારેક એક્ટિંગ કરતો હોય છે. ક્યારેક સારા હોવાની એક્ટિંગ, તો ક્યારેક ખરાબ હોવાની એક્ટિંગ, ક્યારેક ઉદાર હોવાનું નાટક તો ક્યારેક પ્રેમાળ હોવાનો અભિનય. દરેકને સારા દેખાવું હોય છે. મેકઅપની સાથે માણસ એક મહોરું ચડાવતો હોય છે. હોય એના કરતાં દરેકને સારું દેખાવવું હોય છે. હન્ડ્રેડ પર્સન્ટ નેચરલ કેટલા લોકો હોય છે? માણસ સૂતો હોય ત્યારે જ નેચરલ હોય છે. જાગતી અવસ્થામાં એ કોઈ ને કોઈ નાટક કરતો હોય છે. ઘણી વખત તો માણસને પોતાને જ ખબર નથી હોતી કે હું ખરેખર કેવો છું? તમને ખબર છે કે તમે કેવા છો? દરેકને આમ તો પોતે સારા જ લાગતા હોય છે. પોતે જે કરતા હોય એને વાજબી જ સમજતા હોય છે. દરેકના આદર્શ જુદા હોય છે. દરેકના સિદ્ધાંત પણ જુદા જુદા હોય છે. તમે માનતા હોવ એ તમારા ઘરના લોકો જ માનતા હોતા નથી. સફળતા, સિદ્ધિ અને સંપત્તિ તમે કેવી રીતે મેળવો છો,એના પરથી નક્કી થતું હોય છે કે તમે ખરેખર કેવા છો!
માણસ પોતાને ‘જજ’ કરવાનું હંમેશાં ટાળે છે. બીજા કોઈની વાત હોય તો ફટ દઈને પોતાનો અભિપ્રાય આપી દે છે. મોટાભાગે આપણા અભિપ્રાય કેવા હોય છે? આપણને અનુકૂળ આવે એવા. એ માણસ જો આપણે કહીએ એમ કરતો હોય, આપણી હામાં હા પુરાવતો હોય અને આપણી દલીલને ટેકો આપતો હોય તો એ સારો માણસ બની જાય છે. આપણું ન માને અથવા તો આપણા વિરુદ્ધનો વિચાર વ્યક્ત કરે એટલે તરત જ આપણે તેને ખરાબ, નક્કામો, નબળો કે બુદ્ધિ વગરનો કહી દઈએ છીએ. પહેલી જ વખત મળતા હોઈએ તોપણ આપણે કોઈના વિશે સ્પષ્ટ અભિપ્રાય આપી દઈએ છીએ.
આમ તો હું એને એક જ વાર મળ્યો છું, પણ તેની સાથે બહુ જામ્યું ન હતું. મને એ માણસ ઇમ્પ્રેસિવ ન લાગ્યો, એવા અભિપ્રાયો આપણે ઘણી વખત સાંભળ્યા હોય છે. તમે માણસને કેવી રીતે જજ કરો છો? પહેલી વખત તમે કોઈને મળો ત્યારે તમે તેનામાં શું શોધતા હોવ છો? મોટાભાગે તો તમે જે શોધતા હશો એ જ તમને મળી આવશે. ઘણી વખત માણસનું માઇન્ડ ‘પ્રિડિસાઇડેડ’ હોય છે. તેણે અગાઉથી જ નક્કી કરી લીધું હોય છે કે આની સાથે મજા આવશે અને આની સાથે આપણને નહીં ફાવે. એક વખત છાપ તમે પાડી દીધી પછી એ ઘડીકમાં નહીં મટે. એ માણસ સારો હોય તોપણ આપણે તેને સારો નહીં સમજીએ.
ફર્સ્ટ ઇમ્પ્રેસન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેસન, એવી વાત આપણે હજાર વખત કરી છે અને સાંભળી છે. પહેલી ઇમ્પ્રેસન અસરકારક ચોક્કસ હોય છે, પણ એ જ ઇમ્પ્રેસન લાસ્ટ સુધી રહે એવું જરૂરી નથી, કારણ કે માણસ ઓળખાઈ જતો હોય છે. વહેલો કે મોડો એ જેવો હોય એવો પરખાઈ જતો હોય છે. પોત પ્રકાશે ત્યારે માણસની ઓરિજિનાલિટી બહાર આવતી હોય છે. આપણે એટલે જ કહેતા હોઈએ છીએ કે લાગે છે તો સારું, બાકી તો નીવડે વખાણ. પુત્રનાં લક્ષણ પારણામાંથી અને વહુનાં લક્ષણ બારણામાંથી એવું પણ કહેવાય છે. આમ છતાં દરેક વખતે આ સાચું પડતું નથી, કારણ કે એ સાચું હોતું નથી. માણસ રોજેરોજ બદલાય છે. માણસમાં ક્યારે કેવો ચેઇન્જ આવે એ કહેવું અઘરું છે. આખેઆખો માણસ રાતોરાત ચેઇન્જ થઈ જાય છે. આપણે નક્કી નથી કરી શકતા કે આ એ જ માણસ છે જેને હું અમુક ચોક્કસ રીતે ઓળખતો હતો!
માણસને એક વખતમાં જજ કરી લેવો ન જોઈએ. એને તો એ જ્યારે મળે ત્યારે જુદી રીતે જ જજ કરવો જોઈએ. આજે આ માણસ કેવો છે? ગઈ કાલે હતો એવો જ છે કે કંઈક જુદો છે? તમે બીજી વખતે કોઈ વ્યક્તિને પહેલી વખત મળતા હોવ એવી રીતે મળ્યા છો? તમે કોઈ વ્યક્તિને દરરોજ પહેલી વખતે જ મળતા હોવ એ રીતે મળ્યા છો? મળી જોજો. મજા આવશે. મોટાભાગે તો આપણે માણસની છાપ લઈને જ ફરતા હોઈએ છીએ. કંઈક ઊંધું કે ન ગમતું થાય ત્યારે આપણે કહીએ છીએ કે એ એવો લાગતો તો નહોતો પણ કેવો નીકળ્યો! ક્યારેક મોઢામોઢ કહીએ છીએ કે તારી પાસે આવી અપેક્ષા ન હતી. સાચી વાત એ છે કે કોઈ વિશે કોઈ જ ધારણા બાંધી ન રાખો, કારણ કે માણસ દરરોજ જુદો હોય છે. સમય, સંજોગ, સ્થિતિ અને નિષ્ઠા બદલતા રહે છે અને તેની સાથોસાથ માણસ પણ બદલતો રહે છે.
બે ભાઈઓ હતા. પિતા મોટી સંપત્તિ મૂકી અવસાન પામ્યા. એક ભાઈએ છેતરપિંડી કરી બધી જ મિલકત પોતાના નામે કરી લીધી. બીજા ભાઈને તેનાથી આઘાત લાગ્યો. મારે કંઈ નથી જોઈતું એવું કહી એ ઘર છોડીને ચાલ્યો ગયો અને સાધુ બની ગયો. વર્ષો વીતી ગયાં. સંપત્તિ હડપ કરી લીધી હતી એ ભાઈને સતત એવું થતું કે મેં મારા ભાઈ સાથે ચીટ કર્યું છે. પોતાનું જ ગિલ્ટ એને શાંતિ લેવા દેતું ન હતું. આખરે એ એના ભાઈને શોધવા ગયો. એક પર્વત ઉપર તેનો સાધુ ભાઈ મળી આવ્યો. ધ્રૂસકે ધ્રૂસકે રડીને માફી માગી. હાથ જોડીને કહ્યું કે તું પાછો આવી જા. બધું જ તારું. સાધુ બની ગયેલા ભાઈએ કહ્યું કે ના, હવે પાછા વળાય એમ નથી. જેમ તું હવે પહેલાં જેવો નથી એમ હું પણ હવે પહેલાં જેવો નથી. હું પણ નારાજ થઈને આવ્યો હતો. મારા મનમાં પણ તારા પ્રત્યે ભારોભાર ગુસ્સો હતો. મારો ગુસ્સો તો મેં ક્યારનોય ઓગાળી દીધો, હવે તું તારા ગિલ્ટને ભૂલી જા અને સુખેથી જીવ. મારા મનમાં હવે કોઈ નારાજગી નથી, કોઈ રંજ નથી. કોઈ ભાર ન રાખ. ભૂલ સમજાઈ એ પણ મોટી વાત છે. તું હવે બદલાઈ ગયો છે, તું તારામાં જે જૂનું ગિલ્ટ છે એને પણ કાઢી નાખ. આજમાં જીવ. એ જ જિંદગીનું રહસ્ય છે.
પ્રેમ અને દોસ્તીમાં પણ આવું જ થતું રહે છે. પહેલી નજરે પ્રેમ થઈ ગયા પછી છેલ્લી નજરે વ્યક્તિ કેવી હોય છે? ઘણા મિત્રો એવા હોય છે જેની સાથે પહેલી મુલાકાત સારી ન રહી હોય. બનવા જોગ છે કે પહેલી વખતે મળ્યા ત્યારે ઝઘડો થયો હોય. એક પતિ-પત્નીની વાત છે. બંનેએ લવમેરેજ કર્યાં હતાં. એમને પૂછવામાં આવ્યું કે તમે પહેલી વખત ક્યાં મળ્યાં હતાં? બંનેએ કહ્યું કે,એક્સિડન્ટમાં! બંને સાથે કોલેજમાં ભણતાં હતાં. એક દિવસે છોકરો બાઇક પર કોલેજના ગેટની બહાર નીકળતો હતો અને છોકરી સ્કૂટી પર કોલેજમાં દાખલ થતી હતી. ગેટ પર જ બંને ધડાકાભેર અથડાયાં, પડયાં, ઝઘડયાં. એકબીજા પર રાડો પાડી. દેખાતું નથી? આંખો મીંચીને ચલાવે છે? બીજા દિવસે છોકરાએ તેની પાસે જઈને સોરી કહ્યું. ભૂલ મારી હતી. એક્સિડન્ટ પછી પણ હું જે બોલ્યો એ મારે બોલવું જોઈતું ન હતું. એ પછી મુલાકાતો વધતી ગઈ. પ્રેમ થયો. મેરેજ થયાં! એરેન્જ મેરેજના કિસ્સામાં પણ પહેલી જ નજરે કોઈ પૂરેપૂરું ગમી જાય એવું ભાગ્યે જ બને છે, કારણ કે બંનેનાં મનમાં એક ડર હોય છે કે આ માણસ કેવો હશે કે આ છોકરી કેવી હશે? કોઈ વ્યક્તિને એક ઝાટકે જજ ન કરી લેવી અને જજ કરી લીધી હોય તોપણ તમારું જજમેન્ટ એ જ રહે તેવું ન માનો. પરિવર્તન માત્ર સમયને જ નથી સ્પર્શતું, વ્યક્તિને પણ અસર કરે છે. માણસ ઘડિયાળના કાંટા સાથે થોડો થોડો બદલાતો રહે છે. સારો પણ થાય અને કદાચ ખરાબ પણ થાય. સત્ય એ છે કે એ જેવો હોય એવો રહેતો નથી. આજે એ જેવો છે એ જ મહત્ત્વનું છે. બાય ધ વે, તમે ક્યારેય નિહાળ્યું છે કે તમારામાં કેવાં કેવાં પરિવર્તનો આવ્યાં છે?
છેલ્લો સીન : 
when you judge another, you do not define them, you define yourself.
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 03 ઓગસ્ટ, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: