તને નથી લાગતું, તું વધુ પડતું વિચારે છે? 

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

ઔર તો કોન હૈ જો મુઝકો તસલ્લી દેતા ? હાથ રખ દેતી હૈ દિલ પર તેરી બોતેં અકસર,
ઉમસે પૂછો કભી ચહેરે ભી પઢે હૈ તુમને ? જો કિતાબોં કી કિયા કરતે હૈ બાતેં અકસર.
-જાંનિસાર અખ્તર.
જરાયે વિચાર ન કરવો અને વધુ પડતો વિચાર કરવો એ બંને એકસરખી ભૂલ છે. વિચાર વિશે એવું કહેવાય છે કે તમે તમારા વિશે જેવું વિચારશો એવા તમે બનશો. વિચાર મહત્ત્વના છે. કંઈ પણ કરવું હોય એ વિચારીને કરવું જોઈએ. સવાલ એ છે કે કેટલો વિચાર કરવો? વિચાર કરવાની કોઈ લિમિટ ખરી? કોઈ વિચાર શરૂ થાય ત્યારે એ ડેડલાઇન લઈને નથી આવતો. આપણે નક્કી કરવું પડે છે કે હવે ફુલપોઈન્ટ મૂકી દેવાનું છે. જો આ નક્કી કરતાં ન આવડે તો અલ્પવિરામની વણઝાર સર્જાતી રહે છે. વિચાર દૂઝણો છે. એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો અને ધીમે ધીમે સેંકડો અને હજારો વિચાર આવતા રહે છે. વિચારને ‘ઓટો બ્રેક’ હોતી નથી. વિચારને બ્રેક મારવી પડે છે. વિચારને બ્રેક ન મારતાં આવડે તો એક્સિડન્ટ થયા વગર ન રહે. વિચાર માણસને રાતે સૂવા દેતો નથી. દિવસે ચેન લેવા દેતો નથી. માણસ હોય ક્યાંક અને વિચારોથી ભટકતો હોય બીજે ક્યાંક. શું કરું? આમ જાવ કે તેમ જાવ? ક્યાંક હું હેરાન તો નહીં થઈ જાઉંને? મારી ગણતરી ઊંધી તો નહીં પડેને? હું જે કરું છું એ બરાબર છેને? આવા વિચારો આવવા સ્વાભાવિક છે. જિંદગી કરવટ લેવાની હોય ત્યારે આવા વિચારો વાવાઝોડાની જેમ આવે છે. મનમાં ઝંઝાવાત ચાલતો રહે છે.
માણસને સૌથી મોટો ડર શું હોય છે? મને ભવિષ્યમાં એવું નહીં લાગે ને કે મેં ભૂલ કરી હતી, મારે આવું નહોતું કરવું જોઈતું. કોઈ સવાલ ઊભો થાય ત્યારે માણસે એના પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ વિચારવા જોઈએ. સારામાં સારું શું થઈ શકે છે અને ખરાબમાં ખરાબ શું થઈ શકે છે, એ વિચારીને માણસે જેમ બને એમ વહેલી તકે એક ડિસિઝન પર આવી જવાનું હોય છે. મોટાભાગની તકો આપણે એટલા માટે ગુમાવતા હોઈએ છીએ, કારણ કે આપણે સમયસર જજમેન્ટ ઉપર આવતા નથી. મનમાં ને મનમાં દલીલો કરતાં હોઈએ છે. આપણે ઘણી વખત આપણો જ ચુકાદો સંભળાવવાનો હોય છે. ‘માર દિયા જાય કે છોડ દિયા જાય’ એવો સવાલ આવે ત્યારે બેમાંથી એક તો કરવાનું જ હોય છે. સમસ્યાને જેટલી વધુ જકડી રાખીએ એટલી એ વધુ જટિલ બની જતી હોય છે. આમ કરવું છે અથવા આમ નથી કરવું એ ડિસિઝન લઈને એક વાતનો અંત આણવો જોઈએ.
સમાજ શું કહેશેે? લોકોને કેવું લાગશેે? મારા વિશે લોકો શું વિચારશે ? એક વાત યાદ રાખો, સમાજ તો એને જે કહેવું હશે એ કહેવાનો જ છે, લોકોને જે વિચારવું હશે એ વિચારવાના જ છે. લોકો અભિપ્રાયો, મંતવ્યો, સલાહોથી માંડી પોતાના નિર્ણયો પણ આપી દેશે. એ બધાએ માત્ર વાતો કરવાની છે, તમારે જીવવાનું છે. તમારી જિંદગી કોઈ જીવી ન શકે. આપણી જિંદગી કોઈના હાથમાં કેટલી સોંપવી? આપણી જિંદગી આપણે જ જીવવાની હોય છે અને એટલે જ આપણે આપણા નિર્ણયો કરવા પડે છે. માણસ પોતે જ પોતાનો બેસ્ટ જજ હોય છે.
એક કપલની વાત છે. બન્નેએ લવમેરેજ કર્યા હતા. મેરેજનાં પંદર વર્ષ પછી પત્નીને પૂછવામાં આવ્યું કે તને કોઈ અફસોસ છેે? પત્નીએ કહ્યું કે હા, એક અફસોસ છે. મને એમ થાય છે કે હું વહેલી કેમ આ વ્યક્તિ સાથે ન આવી ગઈ? ઘરના લોકો રાજી ન હતા એમાં મેં એને પાંચ વર્ષ ટટળાવ્યો હતો. રડી રડીને અમે એ પાંચ વર્ષ કાઢયાં હતાં. આજે એવું થાય છે કે અમે મૂરખ હતાં! પ્રેમ અને કરિયર બે એવી બાબતો છે, જે સવાલો અને મૂંઝવણનાં બંડલ લઈને આવે છે. નોકરી કરવા બીજા શહેરમાં જવું કે નહીં? નવી જોબની ઓફર સ્વીકારવી કે નહીં? હા, દરેક નિર્ણય સાચા પડે એ જરૂરી નથી. સાથોસાથ એ પણ એટલી જ સાચી વાત છે કે દરેક ડિસિઝન ખોટા પડે એવું પણ જરૂરી નથી. એટલી વાત યાદ રાખવાની કે કોઈ પણ નિર્ણય લઈ લીધા પછી ક્યારેય એ નિર્ણયનો અફસોસ ન કરવો. ખોટો પડયો તો ખોટો પણ એ મારો નિર્ણય હતો. નિર્ણય લેશો તો એ સાચો પડશે અને કદાચ ખોટો પણ પડશે પણ નિર્ણય ન લેવો એ તો ખોટું જ છે. દરેક વખતે કૂદી પડવાનું અને જોખમ લઈ લેવાનું પણ જરૂરી નથી, ઘણી વખત ન કરવાનો નિર્ણય પણ સાચો હોય છે. મૂંઝવણ વધી જાય ત્યારે છેલ્લે દિલને પૂછી લેવાનું અને દિલ જે કહે એ વાત માની લેવાની.
સોચ કો ઈતની મત છેડો કે સોચ ગહરી હો જાયે. વિચારો ધીમે ધીમે એક ખાડો ખોદતાં રહે છે અને જો વિચારો લંબાઈ જાય તો આ ખાડો ઊંડો ને ઊંડો બનતો જાય છે. પછી એક સમય એવો આવે છે કે આપણે એ ખાડામાંથી બહાર જ આવી નથી શકતા. એક માણસ ફ્લિોસોફર પાસે ગયો. તેણે કહ્યું કે હું મારી આ અંગત બાબત વિશે નિર્ણય પર નથી આવી શકતો. ફ્લિોસોફરે કહ્યું કે,વિચારને એટલો બધો ન ઘૂંટ કે વિચાર કાળો થઈ જાય. વિચાર કાળો થઈ જશે તો એમાં કોઈ પોઝિટિવિટી જ નહીં રહે. તારો નિર્ણય હું લઈ ન શકું. તારો નિર્ણય તારે જ લેવો પડે. હું તને કહીશ એમ તું કરીશ અને એ સાચું પડયું તો તું મને યશ આપીશ, અને જો એ ખોટું પડયું તો તું મને દોષ આપીશ. આ બંને સંજોગોમાં તું તારી જાતને તો કંઈ આપી જ નહીં શકે. તું નક્કી કર, નિર્ણય સાચો પડે તો યશ લેજે અને નિર્ણય ખોટો પડે તો સમજજે કે તારામાં એટલી તાકાત તો હતી કે તું તારી રીતે નિર્ણય લઈ શકે. આપણે જ્યારે નિર્ણય લઈએ છીએ ત્યારે એ સાચો જ હોય છે પછી માનો કે એ નિર્ણય ખોટો પડે તો એમાં આપણો વાંક નથી હોતો. સમય, સંજોગો,પરિસ્થિતિ અને બીજાં ઘણાં બધાં પરિબળો કામ કરતાં હોય છે, એના કારણે દુઃખી થવું, પોતાની જાતને કોસવી, અફસોસ કરવો કે રોદણાં રડવાં વાજબી હોતાં નથી. લડાઈ લડશો તો કદાચ જીતશો અને કદાચ હારશો પણ લડશો જ નહીં તો હાર નક્કી છે. શરણાગતિ એ હારનો જ એક પ્રકાર છે.
એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને ત્રણ સવાલ કર્યા. બધાંથી અગત્યનું કામ કયું? સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ કોણ? સૌથી સારો સમય ક્યારે હોય છેે? સંતે હળવાશથી જવાબ આપ્યો કે, અત્યારે તમે જે કરો છો અને અત્યારે તમારા હાથમાં જે છે એ જ અગત્યનું છે, જે નજીક છે અને સાથે છે એ જ યોગ્ય વ્યક્તિ છે અને અત્યારનો સમય જ સૌથી સારો સમય છે.
બહુ બધા વિચારો આપણને કન્ફયુઝ કરે છે. દરેક વિચારનો એક અંત હોવો જોઈએ. દરેક વિચારને પૂરતો સમય આપો પણ એ સમય લંબાઈ જવો ન જોઈએ. યસ ઔર નોમાં ઝૂલતા ન રહો. આઈધર યસ ઔર નો, નક્કી કરી લો અને તમારા નિર્ણયને વળગી રહો અને તમારા નિર્ણય પર શ્રદ્ધા રાખો. નિર્ણય લઈને એને સાર્થક કરવા અને સાચો પાડવામાં લાગી જાવ. યુ આર ધ બેસ્ટ જજ.            
છેલ્લો સીન :
માણસની જિંદગીમાં બે સમય એવા આવે છે જ્યારે તેણે બહુ વિચાર કરવા જોઈએ નહીં. એક તો જ્યારે માણસ કોઈ કામ કરવા માટે સમર્થ હોય ત્યારે અને બીજો સમર્થ ન હોય ત્યારે. -માર્ક ટ્વેઈન
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 18 મે, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: