માણસ વિશે તમે કેવી ધારણાઓ બાંધો છો?

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

હર શ્વાસ તારો એક તાજો ભ્રમ હશે, ઉચ્છ્વાસ તારો આખરી ઉપક્રમ હશે,
પર્ણો પછીથી કેમ પીળાં થઈ જતાં? ફિક્કાશમાં પણ કંઈક લીલુંછમ હશે.
– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

માણસ મોસ્ટ અનપ્રિડિક્ટેબલ છે. કયો માણસ ક્યારે કેવું રિએક્ટ કરશે તે કળી શકાતું નથી. જે માણસ ફૂલ જેવો હોય એ જ ક્યારેક કાંટા જેવો બની જાય છે. આપણે જેને શૂળ જેવો સમજતાં હોઈએ એ જ ઘણી વખત શીતળ બનીને સામે આવે છે. માણસની ખૂબી ગણો તો ખૂબી અને ખામી ગણો તો ખામી, સૌથી સાચી વાત એ છે કે માણસ સતત બદલાતો રહે છે. ક્યારેક કોઈ ઘટના એવી બને છે કે માણસ અચાનક જ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આપણને સમજાતું નથી કે આનામાં આવું પરિવર્તન કેવી રીતે આવ્યું?
આપણે જેની સાથે રહેતા હોઈએ તેની ફિતરતથી આપણે પરિચિત થઈ જઈએ છીએ. કોઈ વાત કરતી વખતે આપણે અનુમાન બાંધી લઈએ છીએ કે આ વાત સાંભળી એનો પ્રતિભાવ શું હશે ? એ ખુશ થશે કે એનું મગજ ફટકશે? છતાં પણ તમે માર્ક કરજો આપણી ધારણાઓ ઘણી વખત ખોટી પડે છે. આપણે ધાર્યું હોય કંઈક અને થાય કંઈ ઓર જ. એક પતિ-પત્ની હતાં. બંને વચ્ચે ખૂબ પ્રેમ. પ્રેમ હોય એટલે ઝઘડો કે ગુસ્સો ન થાય એવો કોઈ નિયમ નથી અને એવી શક્યતા પણ હોતી નથી. પત્નીથી કોઈ કાચનું વાસણ ફૂટે એટલે પતિનો મગજ છટકે. બંને વચ્ચે ઝઘડો થાય, થાય અને થાય જ. એક દિવસ પત્નીના ભાઈનો પાંચ વર્ષનો પુત્ર ઘરે આવ્યો. એ રમતો હતો. અચાનક તેણે કાચનો ગ્લાસ હાથમાં લીધો અને ગ્લાસ હાથમાંથી છટકી ગયો. ગ્લાસ ફૂટયો. પત્નીને થયું કે પત્યું હમણાં આનો મગજ છટકશે. જેવો ગ્લાસ ફૂટયો કે તરત જ તેનો પતિ ઊભો થઈ ગયો અને બાળકને તેડી લીધું. બોલ્યો કે જોજે દીકરા તને કાચ વાગી ન જાય. બાળકને ખુરશી પર બેસાડી પોતે જ કાચ વીણવા લાગ્યો. પત્નીને કહ્યું કે જલદી સાવરણી લઈને વાળી નાખ, આને પગમાં વાગી ન જાય.
પત્નીના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ કંઈ જ ન બોલી. રાતે તેણે એ ઘટનાને યાદ કરીને પતિને કહ્યું કે આજે મને તમારું વર્તન જુદું લાગ્યું. તમે ગુસ્સે ન થયા. પતિએ કહ્યું કે, એ તો બાળક છે. એનાથી તો થઈ જાય. પત્નીએ કહ્યું કે તો પછી મારા પર કેમ ગુસ્સે થઈ જાવ છો? પતિએ કહ્યું કે, એટલા માટે કે તારી પાસેથી એવી અપેક્ષા ન હોય. આપણે ઘણી વખતે આપણી અથવા તો અમુક વ્યક્તિ પાસે પરફેક્શનની એટલી બધી અપેક્ષાઓ બાંધી લઈએ છીએ કે એની ભૂલ કે ખામી સહન જ નથી કરી શકતા.
માણસની બીજી સૌથી મોટી ખૂબી એ છે કે એ દરેક વ્યક્તિ માટે જુદો હોય છે. એક માટે ક્રૂર હોય એ જ માણસ બીજા માટે ખૂબ જ દયાળુ અને ભલો બની જાય છે. બધા જ સાથે લાગણીથી વર્તતો માણસ અચાનક જ કોઈ સાથે હિંસક બની જાય છે. એટલે જ કોઈને મળતી વખતે કોઈના અભિપ્રાય મુજબ કોઈ જ ધારણાઓ બાંધી લેવી ન જોઈએ. માણસને જ્યારે મળો ત્યારે ખુલ્લા દિલે મળો અને જેટલી વાર મળો એટલી વાર નવી રીતે મળો, કારણ કે આપણી માન્યતાઓ કાયમ સાચી પડવાની નથી.
હા, માણસનો મૂડ, એની માનસિકતા અને એના સંજોગો એના વર્તન ઉપર સીધી અસર કરે છે. મૂડ એવી ચીજ છે કે એ સતત બદલાતો રહે છે. ક્યારેક કોઈ ખરાબ વર્તન કરી બેસે તો એનો મતલબ એવો ન કાઢી લેવો કે એ એવો જ માણસ છે. માણસને સમજવા માટે એણે એવું વર્તન શા માટે કર્યું એની પાછળનાં કારણો સમજવાની જરૂર હોય છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણે એવું જ ઇચ્છતા હોઈએ છીએ કે એ આપણા મૂડની માફક આપણી સાથે વર્તન કરે અને એવું દરેક વખતે થતું નથી.
કોઈના માટે નહીં પણ આપણા માટે પણ જરૂરી હોય છે કે આપણે કોઈના વિશે ધારણાઓ ન બાંધી લઈએ, કારણ કે આપણી ધારણા મુજબનું વર્તન કોઈ ન કરે ત્યારે આપણે જ દુઃખી થતા હોઈએ છીએ. આપણો મૂડ બહુ જ સરસ હોય અને આપણે કોઈને મળવા જઈએ ત્યારે આપણે તો અમુક પ્રકારનું જ વર્તન કરે એવું ઇચ્છતા હોઈએ છીએ. એવું ન થાય ત્યારે દુઃખી થઈએ છીએ.
એક મિત્રનો બર્થ ડે હતો. તેના મિત્રોએ તેના માટે એક સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી. ખાવાપીવાની ચીજો લઈને બધાએ અચાનક જ તેના ઘરે પહોંચીને હુમલો કર્યો. ચિચિયારીઓ પાડી. એ મિત્રને ઓફિસમાં પ્રોબ્લેમ થયો હતો, તે બિલકુલ આઉટ ઓફ મૂડ હતો. સરપ્રાઈઝથી આશ્ચર્યચકિત થવાને બદલે એ ચીડાઈ ગયો. પાર્ટીનો મૂડ ખરાબ થઈ ગયો. મિત્રો હતા એટલે બધાએ સંભાળી લીધો,જોકે બધાની ધારણા ખોટી પડી. બધાને હતું કે એ નાચી ઊઠશે અને બધા ફ્રેન્ડ્સને જોઈને ખુશ થઈ જશે. પણ એવું ન થયું. આવું ઘણી વખત બનતું હોય છે. એ સમયે એનું નહીં પણ આપણું વર્તન કેવું રહે છે તેના ઉપર સંબંધોનો મોટો આધાર હોય છે.
દરેક વર્તન, બિહેવિયર અને રિએક્શનને જે તે સમયના આધારે જ માપવું અને સમજવું જોઈએ. કોઈને એના ભૂતકાળના આધારે માપવો ન જોઇએ. ઘણી વખત કોઈનું વર્તન આપણી સાથે કેવું રહેશે તેનો આધાર એના ઉપર નહીં પણ આપણા ઉપર હોય છે. એટલે જ આપણને મળીને કોઈ હળવું થઈ જતું હોય છે અને આપણને પણ એવા અનુભવો થયા જ હોય છે કે અમુક લોકોને મળીએ ત્યારે આપણે બધું જ દુઃખ, ચિંતા કે તનાવ ભૂલી જઈએ છીએ. તમારી પાસે આવીને કોઈને શાંતિ મળતી હોય તો માનજો કે તમારામાં કંઈક ખૂબી છે. તમારી એ ખૂબીને જતનપૂર્વક જાળવી રાખજો, કારણ કે માણસને સૌથી વધુ જરૂર માણસની હોય છે. એવા માણસની જેની પાસે જઈને એ એને રાહત, શકુન અને સુખનો અહેસાસ થાય. તમને મળવાનું અને તમારી પાસે આવવાનું કોઈને મન થતું હોય તો એ બહુ મોટી વાત છે. બાકી માણસ માણસથી જ ભાગતો ફરતો હોય છે. ઘણા માણસો જ ભડકા જેવા હોય છે. એના નજીક જવાના વિચાર સાથે જ દાઝી જવાનો ભય લાગે છે. તમે ક્યારેય વિચાર્યું છે કે તમે કેવા માણસ છો? હા, દરેક માણસ દરેક સાથે એકસરખો રહી ન શકે પણ જેની સાથે જેવું રહેવું જોઈએ એવા આપણે રહેતા હોઈએ છીએ ખરા? જેમ આપણને બીજા માણસ પ્રત્યે અપેક્ષાઓ હોય છે તેમ આપણી પાસે પણ આપણા લોકોને ઘણી બધી ઉમ્મીદ હોય છે. એ ઉમ્મીદ મુજબનું વર્તન આપણાથી થાય છે?
કોઈ આપણી પાસે આવે ત્યારે આપણે એવું વિચારીએ છીએ કે એ શા માટે આપણી પાસે આવ્યો છે? એની માનસિક હાલત અત્યારે કેવી છે?અગાઉ અનેક વખત મળી ચૂક્યો હોય તેને પણ તમે નવા અને અત્યારના માણસની જેમ મળી શકો છો? આપણે આપણી સાથે તેણે કરેલું વર્તન ભૂલી શકતા નથી અને એટલે જ આપણે ઘણી વખત બીજા જેવા જ બની જઈએ છીએ. કોઈ માફી માંગવા આવ્યું હોય ત્યારે તેને સમજવાને બદલે તેની ભૂલ બદલ તેને ઠપકો આપવાનું ચૂકતા નથી. ભૂલ તો એને સમજાઈ જ ગઈ હોય છે અને એટલે જ તે માફી માંગવા આવ્યો હોય છે.
જે માણસને સુધરવું હોય એને સુધરવાની તક આપવી એ પણ મોટું અને મહાન કામ છે પણ આપણે ઘણી વાર એ જ માન્યતામાંથી છૂટી શકતા નથી કે એ કોઈ દિવસ સુધરવાનો કે સમજવાનો નથી. આપણે આપણી ધારણાઓમાંથી જ ઘણી વખત છૂટી શકતા નથી. અને બીજા વિશે ધારણાઓ બાંધી લઈએ છીએ. કોઈના વિશે કંઈ જ ધારણા બાંધી ન લો એની સાથે તમારી ધારણાઓને પણ જડની જેમ વળગી ન રહો. માણસ તો જ બદલાશે જો તમે એને બદલવાનો મોકો અને મોકળાશ આપશો.
છેલ્લો સીન :
બીજાઓના દોષો, ભૂલો,ખામીઓ અને મર્યાદાઓ જ ધ્યાનમાં રાખશો તો તમારા મનની શાંતિ તમે ચોક્કસ ગુમાવી દેશો. – સ્વામી શિવાનંદ
(‘સંદેશ’ તા. 23મી ડિસેમ્બર,2012.  રવિવાર. સંસ્કાર પૂર્તિ, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: