સંબંધોમાં ગણતરી કરશો તો હિસાબ ખોટા પડશે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
ફૂલો ખીલ્યાં કે ખાર? મને ખબર નથી, કોની હતી બહાર? મને ખબર નથી,
પાછળ પ્રવાસીઓમાં ઘણાં મિત્ર પણ હતા, કોણે કર્યો પ્રહાર? મને ખબર નથી.
-‘આદિલ’ મન્સૂરી
દિલ અને દિમાગનું દ્વંદ્વ સતત ચાલતું રહે છે. આપણે બધા બહુ જ ડિપ્લોમેટિક થતાં જઈએ છીએ. દરેક બાબતના પ્લસ અને માઇનસનો વિચાર કરતી વખતે આપણે ક્યારેય એ નથી જોતાં કે તેનાથી આપણાં સંબંધો અને લાગણીના ગુણાકાર થશે કે ભાગાકાર? દરેક વાતમાં ફાયદો જ જોવાનું ઘણી વખત નુકસાનકારક સાબિત થતું હોય છે. સંબંધોની બાબતમાં આ વાત સૌથી વધુ લાગુ પડે છે. આપણી ગણતરીઓ જ આપણું વ્યક્તિત્વ છતું કરતી હોય છે.
તેને તું બહુ જ ટેક્ટફુલી ટ્રીટ કરજે. કોઈ વ્યક્તિને કંઈક સમજાવવાનું હોય કે કોઈ વાતે મનાવવાની હોય ત્યારે આપણે આવા શબ્દો વાપરીએ છીએ. ટેક્ટફુલી એટલે શું? માત્ર દિમાગનો ઉપયોગ કરીને કામ કઢાવવું? ધંધો, વ્યવસાય અને રોજગારના નિયમો સંબંધોમાં વાપરી ન શકાય. બધી ટ્રીક બધી જગ્યાએ લાગુ ન પડી શકે. તારે શું કરવું છે? એવું આપણે કોઈને પૂછીએ ત્યારે અંદરખાને તો આપણે તેની પાસે જે કરાવવું હોય એ જ વાત ગળે ઉતરાવવાના પેંતરા રચતા હોઈએ છીએ.
માણસની ઉંમર વધે એમ એ દિલને બદલે દિમાગનો વધુ ઉપયોગ કરતો થઈ જાય છે? કદાચ હા, કારણ કે એને દુનિયાના અનુભવો હોય છે. એટલે જ કદાચ દિલથી વિચારતો માણસ પણ ધીમે ધીમે દુનિયા જેવો જ થઈ જાય છે. જનરેશન ગેપ શું છે?જ્યારે આપણાથી નાના લોકો દિલથી વિચારતા હોય ત્યારે આપણે દિમાગને કામે લગાડતા હોઈએ છીએ. જે લોકોને દિલથી જીવવું હોય એની જિંદગીમાં આપણે દિમાગ વચ્ચે લાવીને એની જિંદગીને ખલેલ પહોંચાડીએ છીએ.
સમજદારીનો મતલબ સ્વાર્થી થઈ જવું નથી. હવે તો કોઈ માણસ આપણને સલાહ આપે ત્યારે પણ આપણને એવો સવાલ થાય છે કે એમાં એનો કોઈ સ્વાર્થ તો નથીને? એ માણસ મને આવી સલાહ શા માટે આપે છે? આપણને કેમ એવું નથી થતું કે એ માણસ મારું ભલું ઇચ્છે છે એટલે આવું કહે છે? કારણ કે ભલું ઇચ્છવાવાળા લોકોની સંખ્યા ધીમે ધીમે ઘટતી જાય છે.
પ્રોફેશનાલિઝમ આજના આધુનિક સમયમાં સૌથી વધુ વપરાતો શબ્દ છે. કોર્પોરેટ કલ્ચર અને પ્રોફેશનાલિઝમ જાણે પર્યાય બની ગયાં છે. ડોન્ટ મિક્સ પ્રોફેશનલ અને પર્સનલ રિલેશન્સ એવું આપણે ઘણી વખત બોલીએ છીએ અને સાંભળીએ છીએ. સવાલ એ થાય કે પ્રોફેશનાલિઝમ એટલે શું ? માત્ર કામનું અને દામનું જ વિચારવાનું? ઓફિસમાં સાથે કામ કરતો માણસ માત્ર નોકરીના સમય પૂરતો જ મર્યાદિત છે? ટાર્ગેટ, એચિવમેન્ટ્સ અને ગોલ સેટિંગ જ બધુ છે? ઓફિસમાં માત્ર કામની જ વાત આપણે કરતાં થઈ ગયા છીએ, કામની વાત આવે ત્યારે લોકો કોઈની મજબૂરી કે વ્યથા પણ સમજવા હવે તૈયાર નથી. જો ભાઈ, તારા ઘરે જે પ્રોબ્લેમ હોય તે પણ અહીં તો તારે પર્ફોમ કરવાનું જ છે, એવું હવે સંભળાવવા લાગ્યું છે. વાત સાચી છે. પર્ફોમ તો કરવું જ પડે છે. પણ એ જ વાતને દિમાગને બદલે દિલથી ટેકલ ન કરી શકાય?
આપણે બધા જ કહીએ છીએ કે ઓફિસની વાતને ઘરમાં ન લઈ જવી અને ઘરની વાતને ઓફિસમાં નહીં લઈ જવાની. આ વાત મેનેજમેન્ટની દૃષ્ટિએ સાચી અને થોડા ઘણાં અંશે વાજબી પણ લાગે છે, પરંતુ આવું સોએ સો ટકા શક્ય છે? ના.. ઘરે પત્ની સાથે ઝઘડો થયો હોય તો ઓફિસના કામ વખતે એના વિચારો આવવાના જ છે, અને ઓફિસમાં જો બોસે ખખડાવ્યા હોય તો ઘરે છોકરાંવને રમાડતી વખતે મૂડ ખરાબ જ હોવાનો. માણસ મશીન નથી કે તરત સ્વીચ ઓફ કે સ્વીચ ઓન કરી દેવાય. હ્યુમન રિલેશન માત્ર એચઆર પોલિસી સુધી જ મર્યાદિત રહી ન શકે. મોટિવેશનનું મહાત્મ્ય આપણે સમજવા લાગ્યા છીએ. પણ માત્ર દિમાગના ઉપયોગથી કોઈનું દિલ જીતી શકાતું નથી. વિઝન અને મિશન સ્ટેટમેન્ટથી જ જીતી શકાતું હોત તો દરેક કંપની આજે ટોપ પર હોત. તમારા વિઝનમાં દિલની દૃષ્ટિ છે? તમારા મિશનમાં મનનો કોઈ મતલબ છે? પ્રોફેશનાલિઝમની વ્યાખ્યા આપણે નવેસરથી સમજવાની જરૂર છે. સંવેદનાને જીત્યા વગર સફળતા મળવાની નથી. હવે નોકરી બદલવાનું પ્રમાણ વધી ગયું છે, કારણ કે આપણે પ્રોફેશનલ થઈ ગયા છીએ. જૂની નોકરીમાં સાથે કામ કરતાં કેટલા લોકો આપણને યાદ હોય છે? નોકરી બદલવાની સાથે મોબાઈલની ફોનબુક પણ બદલાઈ જાય છે. આપણા સંબંધો કેટલા બધા ખોખલા થઈ ગયા છે?
આપણે ક્યારેય વિચારીએ છીએ કે આપણું ધાર્યું પાર પાડવા માટે આપણે ખોટા રસ્તા તો નથી અપનાવતાને? એક વાર્તા સાંભળો. એક ગામમાં એક નગરશેઠ હતા. તેમણે કોઈ દિવસ કોઈ સારું કામ કર્યું ન હતું. આખા ગામમાં તેની છાપ બદમાશ, સ્વાર્થી અને લુચ્ચાની હતી. આખી જિંદગીમાં તેણે એક જ સારું કામ કર્યું હતું. પીવાના પાણી માટે ગામમાં કૂવો ખોદાવ્યો હતો. ગામના લોકો એ કૂવામાંથી પીવાનું પાણી મેળવતા હતા. જો કે પછી નગરશેઠે લોકોને ખંખેરવાના એટલા બધા ધંધા કર્યા હતા કે કોઈ તેના વિશે સારું બોલતું ન હતું. નગરશેઠ બુઢ્ઢો થયો. હવે તેને એ વાત ડંખવા લાગી હતી કે મેં તો કોઈ દિવસ કોઈ સારું કામ કર્યું જ નહીં. હું મરી જઈશ ત્યારે કોઈ મારું સારું નહીં બોલે. નગરશેઠ મરણપથારીએ હતા ત્યારે તેણે તેના દીકરાને બોલાવ્યો અને કહ્યું કે હું મરી જાઉં પછી લોકો મને સારો કહે એવું કંઈક કરજે, જેથી મારા આત્માને શાંતિ મળે.
પિતા ગુજરી ગયા. દીકરો નગરશેઠ બન્યો. દીકરાને વિચાર આવતા કે બાપની ઇચ્છા કેવી રીતે પૂરી કરું? શું કરું તો બાપને બધા સારો માણસ હતો એવું કહે. આખરે તેને એક વિચાર આવ્યો. બાપે ગામમાં જે કૂવો ખોદાવ્યો હતો એ પુરાવી દીધો. લોકોને પાણી મળતું બંધ થઈ ગયું. આખું ગામ બોલવા લાગ્યું કે આના કરતાં તો એનો બાપ સારો હતો. દીકરાને થયું કે આખરે મારા બાપને લોકોએ સારો કહ્યો ખરા. માણસ પોતાનું ધાર્યું કેવી રીતે કરે છે તેના પરથી તેના સંસ્કારો નક્કી થતા હોય છે. તમે વારસામાં જે મૂકી જાવ છો એ જ અંતે તો બહાર આવતું હોય છે. તમે જો દુનિયાને સારી જોવા ઇચ્છતા હો તો સારા થવાની શરૂઆત તમારાથી કરો.
બધામાં ગણતરીઓ ન માંડો. કોઈની સંવેદના ન સ્પર્શે તો સમજવું કે તમે સજીવ નથી. દિલની વાત હોય ત્યારે દિમાગને આરામ આપો. જિંદગીમાં નફો-નુકસાન નથી હોતું, ખીલવાનું અને મૂરઝાવવાનું હોય છે. તમારે કોઈના દિલને સ્પર્શવું છે? તો પહેલાં તમારા દિલને સાફ રાખો. કોઈને સમજવા માટેની સૌથી પહેલી શરત એ જ હોય છે કે આપણે આપણને સમજતાં હોવા જોઈએ. આપણે સારા નહીં બનીએ ત્યાં સુધી આપણને કંઈ જ સારું લાગવાનું નથી.
છેલ્લો સીન :
ભાગ્યે જ કશું ખાનગી રહે છે, છતાં માણસો ખાનગી ખાનગી રમત રમતા હોય છે.            
-અજ્ઞાત 
kkantu@gmail.com
બઘા જ આર્ટિકલ વાંચવા માટે ક્લીક કરો વેબ સાઇટ

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *