દરેક માણસ થોડોક ‘જિનિયસ’ હોય છે

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

હું તમારી જીતનો હિમાયતી છું એટલે, સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં,
જિંદગીભર આપતાં આવ્યા છો જાકારો ભલે, હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.
– દિનેશ કાનાણી ‘પાગલ’



‘એને કેવી રીતે સમજાવવો એ જ મને સમજાતું નથી. એ કોઈ વાતમાં સમજતો જ નથી. કોઈની વાત સાંભળવાની કે સમજવાની તેની તૈયારી જ નથી.’ ઘણા લોકોના મોઢે આપણે આવી વાત સાંભળીએ છીએ. ઘણી વખત કોઈને સમજાવવા માટે આપણે કોઈને શોધીએ છીએ. તું વાત કરજે, એ તારું સાંભળશે, તારી વાત માનશે. જિંદગીમાં બે વસ્તુ સૌથી અઘરી છે, એક તો માણસને સમજાવવો અને બીજું માણસને સમજવો. જ્યાં સુધી તમે કોઈને સમજી ન શકો ત્યાં સુધી કોઈને સમજાવી ન શકો.

તમારી વાત કોઈ શા માટે માને ? માણસ તો જ તમારી વાત માનશે જો એને તમારી વાત સાચી લાગશે. કોઈને એમ લાગે કે આ માણસ મારું બૂરું નહીં કરે તો જ એ તમારી વાત સાંભળવા અને સ્વીકારવા તૈયાર થશે. માણસને સમજણની જરૂર શા માટે પડે છે? કારણ કે તેને માણસ સાથે રહેવાનું હોય છે. જો માણસને એકલાને જ રહેવાનું હોત તો પછી એ ગમે તેમ રહે તો પણ વાંધો આવતો નથી. જોકે માણસ એકલો રહી શકતો નથી.

દરેક માણસનું એક સર્કલ હોય છે અને આ સર્કલમાં એ જીવતો હોય છે. આપણા સર્કલના થોડાક લોકો એવા હોય છે જે આપણને ગમતાં હોય છે. આપણને તેની સાથે ફાવતું હોય છે. આપણી વેવલેન્થ તેની સાથે મેચ થતી હોય છે. અમુક લોકોની હાજરી જ આપણને એનકરેજ કરતી હોય છે. થોડાંક લોકો એવા પણ હોય છે જે આપણને ગમતાં હોતા નથી. ન ગમતા હોવા છતાં પણ આપણે તેને એવોઈડ કરી શકતા નથી.

એક માણસની કાયમની ફરિયાદ હતી કે મારી સાથે જે માણસ કામ કરે છે તેની સાથે મને ફાવતું નથી. એને જોઈને જ મને ચીડ ચડે છે. મારું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. મારો મૂડ ઓફ થઈ જાય છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે તું એને એવોઈડ કરી શકે છે? મિત્રએ કહ્યું કે ના, એ તો હોવાનો જ ને. બીજા મિત્રએ કહ્યું કે તો પછી એનો સ્વીકાર કર. તમે જેને છોડી શકતા નથી તેની સાથે તમારે એડજસ્ટ થવું પડે છે. બનવાજોગ છે કે તારી ઓફિસમાં તારાથી પણ કોઈ ઇરિટેટ થતું હોય. તેં કોઈ દિવસ એના વિશે વિચાર કર્યો છે? કોઈ આપણી ઇચ્છા મુજબ સુધરી જાય એવી અપેક્ષા આપણે રાખી ન શકીએ. હા, નજીકની વ્યક્તિ હોય તો આપણે તેને સમજાવી શકીએ પણ આપણી વાત માને જ તેના માટે જબરજસ્તી ન કરી શકીએ. તું એનાથી ઇરિટેટ થઈને અંતે નુકસાન પણ તારું જ કરે છે. પહેલાં તું થોડોક સુધરી જા બીજામાં આપોઆપ પરિવર્તન આવશે અને બીજામાં પરિવર્તન ન આવે તો પણ કંઈ નહીં, આપણાં માટે આપણું પરિવર્તન જરૂરી હોય છે.

સંબંધોનું કોઈ જ લોજિક હોતું નથી, અને જે હોય છે એ વિચિત્ર હોય છે. આપણે જેને સખત નફરત કરતા હોઈએ એ જ વ્યક્તિ કોઈને અત્યંત પ્રિય હોય છે. એ જ બતાવે છે કે દરેક માણસમાં એવું કોઈ તત્ત્વ હોય છે જે એને ક્યાંક ને ક્યાંક એટેચ અને કનેક્ટેડ રાખે છે.

કોઈ માણસ સાવ નકામો ક્યારેય હોતો નથી. આપણને ઘણી વખત આપણા કામનું કોઈનામાં કંઈ ન લાગે ત્યારે આપણે તેને નકામો ગણી લેતા હોઈએ છીએ. બધો જ આધાર એક માણસ બીજા માણસને કેવી રીતે જુએ છે અને કેવી રીતે સમજે છે તેના ઉપર રહેલો છે.

દરેક માણસમાં એક જિનિયસ જીવતો હોય છે. આપણે તેને ઓળખી શકીએ છીએ? મોટા ભાગે આપણે માણસની કમજોરી જ પકડતા હોઈએ છીએ અને તેના આધારે જ તેને નકામો કે નાલાયક સમજી લઈએ છીએ. એક બાળકને તેના પિતા હંમેશાં ખીજાયે રાખતા. એ ભણવામાં ધ્યાન આપતો ન હતો. આખો દિવસ સંગીતમાં રચ્યોપચ્ચો રહે. પિતા તેને પ્રેમ કરતા હતા પણ દીકરો ભણતો ન હતો એ તેનાથી સહન થતું ન હતું. આ શું આખો દિવસ પિપૂડાં લઈને બેઠો રહે છે? જિંદગી બરબાદ થઈ જશે. વાત ત્યાં સુધી વધી ગઈ કે એક દિવસ બાપે દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. ઘરેથી નીકળી એ સંગીત શીખવા લાગ્યો. અને થોડાં જ વર્ષોમાં દેશનો જાણીતો સંગીતકાર બની ગયો.

એક દિવસ પિતાના ઘરનું બારણું ખખડયું. જોયું તો સામે સંગીતકાર દીકરો ઊભો હતો. પિતાની આંખમાં આંખ પરોવીને કહ્યું કે હું તમને એટલું જ કહેવા આવ્યો છું કે હું નક્કામો ન હતો. મને ખબર છે કે તમે મને પ્રેમ કરતા હતા, મારી ચિંતા કરતા હતા. મારી ચિંતા તમારાથી સહન ન થઈ ત્યારે તમે મને કાઢી મૂક્યો. પણ હું નક્કામો ન હતો. પિતા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા અને દીકરાને વળગીને માફી માગી. દીકરાએ કહ્યું કે તમે મને સમજી શક્યા હોત તો કદાચ મારી આ સફર સરળ હોત. પિતાએ એટલું જ કહ્યું કે તું તને સમજવાની વાત કરે છે? હું તો કદાચ મને જ સમજી શક્યો ન હતો. હું મને ન સમજી શક્યો તો તને ક્યાંથી સમજી શકું ? આપણે પહેલાં સમજવાનું હોય છે એ મને આજે સમજાયું છે.

આપણે ઘણી વખત આપણી જ વ્યક્તિને ઓળખવામાં થાપ ખાઈ જતાં હોઈએ છીએ. આપણે દરેકને આપણી ફૂટપટ્ટીથી જ માપવાનો પ્રયાસ કરીએ છીએ. આપણાં ચોકઠામાં કોઈ ફીટ ન બેસે એટલે આપણા માટે તે માણસ અણગમતો થઈ જાય છે. આપણે ઘણી વખત કેટલી આસાનીથી કોઈના વિશે અભિપ્રાય આપી દેતા હોઈએ છીએ?

કોઈના વિશે કોઈ સ્ટેટમેન્ટ કરતાં પહેલાં થોડુંક એ વિચારવું જોઈએ કે ખરેખર હું જે બોલું છું એ સાચું તો છે ને ? મારો અભિપ્રાય બાયસ્ડ તો નથીને ? લોકો તો જેને ક્યારેય મળ્યા ન હોય એના વિશે પણ છાતી ઠોકીને અભિપ્રાય આપી દે છે.

માણસને સમજવા માટે એક એક્સરસાઈઝ કરવા જેવી છે. જ્યારે તમને કોઈ માણસ ખરાબ લાગતો હોય કે ન ગમતો હોય ત્યારે થોડોક એવો વિચાર કરવાનો પ્રયત્ન કરજો કે એ માણસમાં સારું શું છે? કોઈ માણસ સોએ સો ટકા નકામો કે નગુણો ન હોઈ શકે. દરેકમાં કંઈક તો ખૂબી હોય જ છે. આવી એકાદ ખૂબી જો તમે શોધો તો તમને મળી જ આવશે.

હા, દરેક માણસ સારા નથી હોતા પણ તેનો મતલબ એ નથી હોતો કે દરેક માણસ ખરાબ છે. અંગ્રેજીમાં કહેવત છે કે ‘અ મેન કેનનોટ પ્લીઝ ઓલ.’ કોઈ માણસ દરેક માણસને ખુશ રાખી ન શકે. કોઈ ને કોઈ તો નારાજ થવાનું જ છે. કોઈ તમારાથી નારાજ થાય ત્યારે એ વિચારજો કે હું તો ક્યાંય ખોટો નથીને?માણસ બીજાને જ ખોટો પાડવા મથતો રહે છે. પોતે સાચો છે કે ખોટો એ ક્યારેય વિચારતો નથી. જો તમને તમે જ ક્યારેક ખોટા લાગતા હશો તો એટલિસ્ટ એ મુદ્દે તો તમે સાચા જ હશો.

જિંદગીમાં સંબંધોનું મોટું મહત્ત્વ છે. સંબંધો પરથી જ માણસની ઊંચાઈ અને મોટાઈ મપાતી હોય છે. દરેક માણસમાં કંઈક જિનિયસનેસ અને ખૂબી હોય છે. માણસથી બચી શકે તો પોતાની વ્યક્તિની ખૂબી ઉજાગર કરવાનો અને જીવંત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવું કરીને સરવાળે તો માણસ પોતાની ખૂબીને જ જીવતી રાખતો હોય છે.

છેલ્લો સીન :
આપણે જેમ જેમ જીવનમાં પ્રગતિ કરીએ છીએ તેમ તેમ આપણને આપણી યોગ્યતાની મર્યાદાનો ખ્યાલ આવે છે.
-ફ્રાઉદ


kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: